નિયામકનું સંબોધન


ડૉ. ચંદ્રકાન્ત ઉપાધ્યાય

આદિવાસીઓનાં વિશિષ્ટ જીવન અને સંસ્કૃતિના સંદર્ભમાં તેમની સમસ્યાઓનું વાસ્તવિક નિરૂપણ કરવા માટે ભારત સરકારે ત્રીજી પંચવર્ષીય યોજના દરમિયાન દેશના આદિવાસી બહુલ રાજ્યો માટે પ્રત્યેક રાજ્યમાં આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર શરુ કરવાનો કાર્યક્રમ પ્રસ્તુત કર્યો.

આ કાર્યક્રમ હેઠળ ગુજરાત રાજ્યમાં આ પ્રકારનાં કેન્દ્ર માટેની દરખાસ્ત ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદે ભારત સરકારને મોકલી. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920માં મહાત્મા ગાંધીએ કરી હતી, જે 1963થી 'ડિમ્ડ ટુ બી યુનિવર્સિટી'નો દરજ્જો ધરાવે છે. મહાત્મા ગાંધીના આદર્શ અનુસારની સમાજરચના કરવા માટે જીવનલક્ષી કેળવણી ઉપરાંત અન્ય રચનાત્મક કાર્યક્રમોને જીવનનું ધ્યેય બનાવનાર અનેક સમર્પિત કર્મશીલોની કામગીરીના આધારે ભારત સરકારના સંપૂર્ણ નાણાકીય સહયોગથી ગૂજરાત વિદ્યાપીઠમાં આ સંસ્થાની સ્થાપના 1962માં કરવામાં આવી.

અમારી સંસ્થા અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ અને સંસ્કૃતિ સંદર્ભે સંશોધન અને તાલીમની સુવિધા ધરાવતી એક મુખ્ય સંસ્થા છે. આ સંસ્થાની ત્રણ મુખ્ય અને વિશિષ્ટ લાક્ષણિક્તાઓ છે – સંશોધન, તાલીમ અને સંગ્રહાલય.

આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર રાજ્યને નીચે પ્રમાણે સહાયક બને છે :

  • આ કેન્દ્ર આદિવાસીઓની સ્થિતિ અને સમસ્યાઓનો અભ્યાસ કરતું કેન્દ્ર છે. જે આદિવાસી વિસ્તારો માટે આયોજન કરે છે અને આદિવાસીઓના વિકાસ કાર્યક્રમોનું મૂલ્યાંકન કરે છે.
  • આદિવાસી વિસ્તારોને સ્પર્શતી સમસ્યાઓ સંદર્ભે કેન્દ્ર દસ્તાવેજીકરણ (Documentation) ની કામગીરી કરે છે.
  • આદિવાસી સમુદાયો સંદર્ભે હાથ ધરાતા નૃવંશશાસ્ત્રીય અને ભાષાકીય અભ્યાસ માટે આ કેન્દ્ર સંકલકની ભૂમિકા ભજવે છે.
  • સંકલિત આદિજાતિ વિકાસ પ્રાયોજના – ITDP – ના અધિકારીઓ, વિસ્તરણ કાર્યકરો, સ્થાનિક અધિકારીઓ, ગ્રામસ્તરના કાર્યકરો; સંકલિત બાળ વિકાસ યોજના –ICDS – ના કાર્યકરો તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકર્તાઓ માટે આ કેન્દ્ર માહિતી અને તાલીમ આપતી સંસ્થાની ભૂમિકા નિભાવે છે.
  • સંસ્થામાં સ્થાપવામાં આવેલ સંગ્રહાલયમાં વિવિધ આદિજાતિ સમુદાયના પૂરા કદના સ્ત્રી-પુરુષો-બાળકોનાં પૂતળા તેમજ તેમની જીવનશૈલી અને સંસ્કૃતિનો ખ્યાલ આપતું સંગ્રહાલય આદિવાસી જીવનની પ્રતિકૃતિ રજૂ કરે છે.

ડૉ. ચંદ્રકાન્ત ઉપાધ્યાય
નિયામક, ગૂજરાત વિદ્યાપીઠ, ગુજરાત

સંબંધિત કડીઓ